દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન

SB KHERGAM
0

  દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન


 વ્યક્તિ વિશેષ:દાહોદ

પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી વીરસીંગભાઇ હઠીલા દાહોદ જિલ્લાનું ગૌરવ બન્યા.

વીરસીંગભાઇ હઠીલા નિવૃત થનાર દરેક કર્મચારીઓ - અધિકારીશ્રીઓ માટે બન્યા પ્રેરણાદાયક

દાહોદના પહાડ ગામના શિક્ષક વીરસીંગ હઠીલાએ પોતાના વતન પ્રત્યે પહાડ જેવો સેવાભાવ દર્શાવી ગામને એમ્બ્યુલન્સ ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સન્માન કરાયું.

દાહોદ : આપણે જોઈએ અને જાણીએ છીએ કે, પોતાની સર્વિસ પૂર્ણ થતાં નિવૃત્ત સમયે ઘણાયે અધિકારીઓ-કર્મચારીઓ પાર્ટી અથવા ડી જે, વરઘોડા સાથે વાજતે - ગાજતે નિવૃત્તિનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દેતા હોય છે. જેમાં સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે નાચ - ગાન કરીને શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે. 

પરંતુ અહીં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાની વાત જ કંઈ નિરાળી છે. નિવૃત્તિ સમયે તેમણે ઝાકમ-ઝોળવાળી ઉજવણી ન કરતાં પોતાના વતન એવા પહાડ ગામને જરૂરી એવી એક એમ્બયુલન્સ ભેટ આપીને સમાજને મદદરૂપ બની અન્ય નિવૃત થતા કર્મચારીઓ - અધિકારીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. આજના સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ પોતાના વતનને આપીને તેમની નિવૃત્તિને સ્મરણીય બનાવી છે.

કહેવાય છે ને કે, શિક્ષકનું જીવન જ આવનાર ભવિષ્યને કંડારવાનું હોય છે. ભવિષ્યના પાયાનું નિર્માણ શિક્ષકના હાથમા હોય છે, બસ આવી જ ભાવના સાથે તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા વીરસિંગભાઈએ પોતે પોતાની માતૃભૂમિ - માદરે વતન એવા પહાડ ગામને પોતાની નિવૃત્તિ સમયે એમ્બ્યુલન્સ ભેટમાં આપીને માતૃભૂમિનું ઋણ અદા કરવા એક શિક્ષકને શોભે એવું પ્રેરક કામ કર્યું છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના વતની એવા ખૂબજ કર્મનિષ્ઠ અને પ્રામાણિક શિક્ષક વીરસિંગભાઈએ પોતાની નિવૃત્તિ સમયે કહ્યું હતું કે ''મારે મારી નિવૃત્તિની કોઈ ઉજવણી કરવી નથી પરંતુ મારા ગામના લોકોની પીડામાં રાહત થાય એવું કંઇક કરવું છે. વર્ષો સુધી બીજા ગામમાં નોકરી કરી છે, મને મારા ગામની સેવા કરવાનો કે, મારા ગામ માટે કશું કરી શક્યો નથી, મારા ગામની મૂશ્કેલીઓ તરફ ધ્યાન અપાયું નો 'તું.

તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, વતનનું અને ગ્રામજનોનું મારા ઉપર ઋણ છે. અમારા આ નાનકડા ગામમાં દવાખાનું નથી, રસ્તા સારા નથી, ગામમાં કોઈ બીમાર પડે, પ્રસૂતિ જેવી સ્થિતિમાં છોટાઉદેપુરના તુરખેડા ગામ જેવી ઘટના ન ઘટે અને અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની સારી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એ હેતુથી મારે ગામને એમ્બ્યુલન્સ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે."


વીરસીંગભાઈ હઠીલાના પહાડ ગામની ચોફેર જંગલ વિસ્તાર છે. એસ.ટી. બસની સુવિધા નથી. તેમના માતા - પિતા બિલકુલ નિરક્ષર  હોવા હતા છતાં તેમણે તેમને ભણાવ્યા હતા. તેમના ધર્મપત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે, તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે, જ્યેષ્ઠ પુત્ર બી.ઈ.  સીવીલ થઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. બીજા નંબરનો  પુત્ર એમ.બી.બી.એસ. કરીને હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એક દિકરી છે જે આયુર્વેદ સ્નાતક છે અને હાલ પંચાયત સેવામાં નાયબ ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવે છે.

વીરસીંગભાઇ હઠીલાના આ માનવસેવાકાર્યને આપણા ગુજરાત રાજ્યના માનવંતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ એમની આ લોકસેવા ભાવનાને બિરદાવતાં સન્માન પણ કર્યું છે. જે દાહોદ જિલ્લા તેમજ દાહોદ જિલ્લા જેવા આદિવાસી જિલ્લાના અંતરિયાળ ગામ એવા પહાડ ગામ માટે ગૌરવ લેવા જેવી વાત છે. એક નાનકડાં અને અંતરિયાળ ગામના પ્રામાણિક શિક્ષકની આ જીવનશૈલી અને સેવાભાવ અન્યો માટે પ્રેરણાદાયક બન્યો છે. સલામ છે આવા શિક્ષકની ત્યાગ અને માનવતાની ભાવનાને..!

આ વેળા એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારીયા ઉપસ્થિત રહ્યા હતા.   


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top