ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ
વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.
અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે.
આકાશવાણી અમદાવાદ અને વડોદરા પરથી તેમના 11થી વધુ રેડિયો કાર્યક્રમો પ્રસારિત થયા છે, જેમાં ઢોડિયા લોકવાર્તાઓ, લોકકલાઓ, કહેવતો, ઉખાણાં, આદિવાસી રમતો, દિવાળી પરંપરા, સંસ્કારગીતો, પ્રાકૃતિક તત્વો અને આદિવાસી શિક્ષણ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.
તેમના શિક્ષણ અને સાહિત્યક્ષેત્રના અમૂલ્ય યોગદાન બદલ તેમને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સાહિત્ય સાધના એવોર્ડ, ગિજુભાઈ બધેકા એવોર્ડ અને બ્રોડ લર્નર ટીચર્સ એવોર્ડ સહિતના અનેક પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે.
હાલમાં તેમણે ઢોડિયા ભાષાના સંરક્ષણના ઉમદા હેતુથી "આખા તે ઓરેહ...." નામનો ઢોડિયા ભાષાનો ઉખાણા સંગ્રહ પ્રકાશિત કર્યો છે. આ પુસ્તકમાં સમાજના વડીલો પાસેથી લોકમુખે સાંભળેલા ઉખાણાઓ ઉપરાંત તેમની સ્વરચિત ઉખાણાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાણી-પક્ષી, ખેતી, ઘરવખરી, જીવજંતુઓ, અનાજ, પરંપરાગત સાધનો અને ઢોડિયા જીવનશૈલી સાથે જોડાયેલા અનેક શબ્દોને ઉખાણાના માધ્યમથી જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક સમય એવો હતો જ્યારે ઢોડિયા સમાજમાં વાર્તાઓ, કોયડાઓ અને ઉખાણાઓ મૌખિક પરંપરા દ્વારા પેઢી દર પેઢી પહોંચતા હતા. આ પરંપરાને પુસ્તક સ્વરૂપે જાળવી રાખવાનો આ પ્રયાસ ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
પુસ્તકના નિર્માણમાં સહયોગ આપનાર હાર્દિક, ચંપકભાઈ વધવા, ડૉ. સુરેશ મકવાણા (RIE-NCERT ભોપાલ), અશ્વિનભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોડી, સિંદુમ્બર હાઈસ્કૂલના આચાર્ય રાજેશભાઈ પટેલ, નયન પટેલ તથા ગોવિંદગુરુ પ્રકાશન, ગોધરાના સંચાલક દિનેશભાઈનો અરવિંદભાઈએ આભાર વ્યક્ત કર્યો છે.
લુપ્ત થવાના આરે પહોંચેલી ઢોડિયા ભાષાને ભાવી પેઢી સુધી જીવંત રાખવા માટે "આખા તે ઓરેહ...." ઉખાણા સંગ્રહ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહેશે અને સંશોધકો, ભાષાપ્રેમીઓ તથા આદિવાસી સંસ્કૃતિના અભ્યાસકો માટે મૂલ્યવાન સાબિત થશે.






