Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :
પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ :
એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.
વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.
વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શોધ જાપાનીસ વનસ્પતિશાસ્ર્ત્રી દ્વારા કરવામા આવી છે. જેઓ છોડના ઇકોલોજી, બીજ, અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે. તેઓ અધોગતિશીલ જમીન પર, કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમા સક્રિય છે. જે ટુકા સમય ગાળામા મૂળ પ્રજાતિના જંગલો બનાવવામા મદદ કરે છે.
આ પદ્ધતિમા એક જ વિસ્તારમા શક્ય તેટલુ નજીક વૃક્ષોનુ (ફક્ત મૂળ પ્રજાતિઓ) વાવેતર કરવામા આવે છે. જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ, એકબીજાની વૃદ્ધિ અને સુર્યપ્રકાશને જમીન પર પહોચવામા પણ મદદ કરે છે. તથા નિંદણના વિકાસને પણ અટકાવે છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના મુજબ, ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેંજમા આવતા કરંજડા ગામ નજીક આર.એફ.કંમ્પાર્ટમેન્ટ નં.ર૭મા “વન કવચ” બનાવવામા આવ્યુ છે. આ “વન કવચ” કુલ એક હેક્ટર વિસ્તારમા ફેલાયેલુ છે. અહિં કુલ પ૮ જેટલી વૃક્ષોની જાતોના ૧૦ હજાર જેટલા રોપાઓનુ વાવેતર કરવામા આવ્યુ છે.
“વન કવચ”ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધની તકતીઓ પણ મુકવામા આવી છે. ટુંક સમયમા ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમા ફેરવી શકાય, અને નાના નાના વનો થકી, વનોની ગીચતામા વધારો કરી શકાય તે હેતુ થી “વન કવચ”નુ વાવેતર ખુબ જ સફળકારક છે.
સુબીર તાલુકામા આવેલા શબીર ઘામ, પંપા સરોવર, ગીરમાળ ઘોઘ તેમજ ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા પર્યટકો માટે, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા “વન કવચ”નુ આ નવુ આકર્ષણ ઉમેરવામા આવ્યુ છે. આ 'વન કવચ'નો હેતુ લોકોમા વન પ્રત્યે જાગૃતિ વધારવાનો, અને વન પ્રત્યે લોકોમા અભિરૂચી કેળવવાનો છે.
આ “વન કવચ” થકી જૈવ વિવિધતામા વધારો થશે, અને પક્ષીઓ માટે પણ નવુ આશ્રય સ્થાન લભ્ય બનશે.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, ઉપ પ્રમુખ શ્રી રધુનાથ સાવળે, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, દહેર રાજવી શ્રી તપતરાવ પવાર સહિત જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, મુખ્ય વન સંરક્ષક સર્વશ્રી મનેશ્વર રાજા અને શશી કુમાર, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક સર્વશ્રી નિલેશ પંડ્યા, અને કેયુર પટેલ તેમજ જિલ્લાની વિવિધ રેંજના આર.એફ.ઓ., વન કર્મીઓ, સ્થાનિક વન મંડળીના પ્રમુખ/મંત્રીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.